ધરમપુર તાલુકામાં આવેલ વલસાડ ડિસ્ટ્રિક્ટ બેંકમાં કપરાડાની મહિલાની થેલી કાપી કોઇ ઇસમ અંદર મુકેલા 49 હજાર રોકડ ચોરી ગયાની ઘટના સામે આવી છે. કપરાડા તાલુકાના વેરી ભવાડા ગામના સવિતાબેન સાયલાભાઈ જાંજર ગાયની રૂ 50,000ની લોન મંજૂર થઇ હોય રૂપિયા ઉપાડવા તેમના જેઠના છોકરા અને તેની પત્ની સાથે બાઈક પર ધરમપુર ભૂત બંગલાની સામે વલસાડ ડિસ્ટ્રીકટ બેંકમાં આવી હતી.
તેમની પાસે પાનકાર્ડ ન હોવાથી રૂ 49,000ની રસીદ ભરી તેણી લાઈનમાં ઉભી રહી હતી, સાથે આવેલ તેમના જેઠનો છોકરો તથા તેમની પત્ની સ્ટેટ હોસ્પિટલમાં તેમના બાળકને બતાવવા જતા રહ્યા હતા.
જે બાદ સવિતાબેન સાયલાભાઈ જાંજર એ પૈસા ઉપાડી પૈસા તથા પાસબુક કાપડની થેલીમાં મૂકી બેંકની બહાર ઓટલા પર બેઠી હતી, ત્યારે બેંકની બહાર ઉભેલા એક વ્યક્તિએ આવીને કહ્યું તમારી થેલી નીચેથી ફાટી ગઈ છે, એમ કહેતા થેલીમાં જોતા અંદર મુકેલા રૂ 49,000 જોવાં ન મળતા તેમને આજુબાજુ બેંકમાં શોધખોળ કરી છતાં પૈસા મળ્યા ન હતા. જેથી કોઈ ઇસમ બ્લેડ અથવા ધારધાર વસ્તુથી થેલી કાપી અંદર મુકેલા રોકડ રકમ 49,000ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે આપી હતી.