વલસાડ: ધરમપુર
વર્તમાન સમયમાં પણ આદિવાસી સમાજમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે લોકો ચાંદલો વિધિ(એન્ગેજમેન્ટ) થયા બાદ બંને પરિવારની સંમતિ મળતા પતિપત્ની તરીકે સાથે રહે છે. એમને સંતાનો પણ થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી તેઓની આર્થિક સ્થિતિ ન સુધરે ત્યાં સુધી તેઓ પારંપરિક રીતે લગ્નગ્રંથિથી જોડાઈ શકતા નથી.
આદિવાસી સમાજમાં મુખ્ય રિવાજ છે કે જ્યાં સુધી હળદર-પીઠી ન ચોળાઇ હોય વૈદિક રીતે લગ્ન ન કર્યા હોય એવા યુગલ સમાજમાં અન્ય કોઈના લગ્નમાં હળદર-પીઠી લગાવી શકતા નથી. માતા-પિતાના લગ્ન ન થયા હોય તો તેઓ તેમના સંતાનના લગ્ન વિધિમાં બેસી શકતા નથી.
વર્તમાન સમયમાં દેખાદેખીમાં લગ્નનો ખર્ચ ઘણો વધી જાય છે. એક યુગલ ઘર આંગણે લગ્ન કરે તો અંદાજિત રૂપિયા 3 લાખ કરતા પણ વધુ ખર્ચ થાય છે. સામાન્ય રીતે મજૂરી કે ખેતી કરનાર આદિવાસી લોકો માટે 3 લાખ રૂપિયા જેટલી મોટી રકમ એકત્ર કરી શકતા નથી.
ત્યારે સમૂહ લગ્નમાં નજીવી રકમ ભરીને તેઓ વિધિપૂર્વક લગ્ન કરી લે છે. તેમજ સરકારની કુંવરવાઈનું મામેરું જેવી યોજનાનો લાભ પણ આ યુગલોને મળવા પાત્ર થાય છે.
ધરમપુર તાલુકાનાં ભવાડા ગામે ગતરોજ LJIYA ફાઉન્ડેશન વલસાડ દ્વારા આયોજીત સમુહલગ્ન જેમાં 41 દીકરીઓના સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાયો. સમૂહ લગ્નોત્સવમાં વર અને કન્યાને ભેટ પણ આપવામાં આવી હતી. ભોજન માટે પણ વિશેષ વ્યવસ્થા આયોજકો તરફથી કરવામાં આવી હતી.