વલસાડ: ધરમપુર
ધરમપુર તાલુકાના અંતરયાળ વિસ્તારનું ભવાડા ગામ ૩,૦૦૦ થી વધુ વસ્તી ધરાવે છે, મળતી માહિતી મુજબ આ ગામમાં અનેક ફળિયામાં રસ્તા, પાણી અને સ્મશાન ભૂમિની સમસ્યા છે.
આઝાદીના 75 વર્ષ વિત્યા છતાં આ ગામમાં સ્મશાન ભૂમિના અભાવને કારણે ગ્રામજનો ઉનાળો હોય કે ચોમાસો ખુલ્લમાં અગ્નિ સંસ્કાર કરવા મજબુર બને છે.
ભવાડા ગામના નિશાળ સહિત અન્ય ફળિયામાં સ્મશાન ભૂમિ ન હોવાની અનેક વખત આ વિસ્તારના જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ઝીણાભાઈ પવાર, કાકડભાઈ, હાલના ધારાસભ્ય અરવિંદભાઈ ને વારંવાર રજૂઆત કરવા છતાં સ્મશાન ભૂમિ બનાવવા માટે કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી છે.
તે ઉપરાંત રસ્તાની વાત કરીએ તો ભવાડા ગામની ડુંગરસેત વર્ગશાળાથી બોપી બરડાને જોડતો આશરે 3 કિમી જેટલો લાંબો રસ્તો કેટલાક વર્ષોથી ન બનતા અહીના આદિવાસી ભાઈઓ-બહેનોને ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ભાવાડા ગામના ડુંગરસેત મુખ્ય રસ્તાથી ચીંચપાડા તરફ જતો આશરે 1 કિલોમીટર જેટલો રસ્તો, ઉપલા ફળીયાથી જશુભાઈ ગાયકવાડના ઘર તરફ જતો રસ્તો, ભવાડા પીળની ફળીયાથી ખોરી તરફ જતો રસ્તો, તેમજ ભવાડા ગ્રામપંચાયતમાં આવતું હથાનબારી ગામમાં તેમજ ૧૫માં નાણાંપંચ હેઠળ 2,18,212 રૂપિયાના ખર્ચે પતરા વળી સ્મશાન ભૂમિ બનાવી પણ સઘડી, લાઈટ અને પાણીની સુવિધા જ નથી. તેમજ માહલા ફળીયાથી સ્મશાન ભૂમિ તરફ જતો રસ્તો, મુખ્ય રસ્તાથી સંજયભાઈ ગાંવિતના ઘર તરફ જતો રસ્તો આ તમામ રસ્તાઓ આજદિન સુધી ન બનાવતા ગ્રામજનો રોષે ભરાયા છે.
તેમજ ચિકાડી ફળિયામાં પણ રસ્તો અને સ્મશાન ગૃહ હજુ સુધી વિકાસની રાહ જુએ છે. ભવાડા ગામમાં નલ સે જલ યોજનામાં પણ લાઈન કરી ચકલી લગાવ્યા બાદ આજદિન સુધી પાણી ન આવતા આ યોજના પણ ભવાડા ગામમાં નિષ્ફળ સાબિત થઈ છે.
ધરમપુર તાલુકાના ભવાડા ગામમાં રસ્તા, પાણી અને સ્મશાન ભૂમિ જેવી અનેક સમસ્યાઓનું નિવારણ વહેલી તકે કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે.