વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં ઉત્પાદિત દેશી ધાન્ય પેદાશ અને કાજુનો સ્વાદ હવે વિદેશોમાં પણ માણાશે…

વલસાડ: કપરાડા

વર્લ્ડ ફૂડ ઈન્ડિયા પ્રદર્શનીમાં રાગી, દેશી ચોખા તેમજ કઠોળ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા .

ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેડૂત બમણી આવક મેળવી શકે તે માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી  દ્વારા દેશભરમાં ૧૦ હજાર (Farmers Producers Organisation -FPO) ખેડૂત ઉત્પાદક મંડળીનું ગઠન અને પ્રમોશન માટે કામગીરી ચાલી રહી છે, નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે દેશ વિદેશના બિઝનેસમેનો માટે યોજાયેલી વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024 પ્રદર્શનમાં સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં જય આદિવાસી કૃષિ વિકાસ ફાર્મર પ્રોડ્યુસર નામની (Farmers Producers Organisation -FPO) ખેડૂત ઉત્પાદક મંડળીની પસંદગી થઈ છે. જે અતંર્ગત સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લા માટે ગર્વ લેવા જેવી બાબત બની છે. 

પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના આદિવાસી ખેડૂત રઘુનાથ ભોયાએ કપરાડા તાલુકામાં થતા પાક કાજુ, રાગી, મોરિયો, દેશી ચોખા અને કઠોળની પ્રોડક્ટને આંતરરાષ્ટ્રીય લેવલ પર પહોંચાડી કપરાડાની જમીન પર થયેલા ધાન્યને ગૌરવ અપાવ્યું છે.

જે અંગે વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાની ખેડૂત ઉત્પાદક મંડળી જય આદિવાસી કૃષિ વિકાસ ફાર્મર પ્રોડ્યુસરના સીઈઓ રઘુનાથ ભોયાએ જણાવ્યું કે, એફપીઓનાઅમલીકરણ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા SFAC (Small farmers agribusiness consordium) નામની એજન્સી કાર્યરત છે. ખેડૂતોના માર્ગદર્શન માટે મહારાષ્ટ્રની કૃષિ વિકાસ ગ્રામિણ પ્રશિક્ષણ સંસ્થા કામ કરી રહી છે.

અમારી FPO ડાંગર, શાકભાજી તથા ફળપાકો પર કામ કરી રહી છે. હાલમાં એફપીઓ સાથે B2B (બિઝનેસ ટુ બિઝનેસ) અને B2C (બિઝનેસ ટુ કસ્ટમર) માર્કેટ લિંકેજ મળે તે માટે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર દ્વારા ગુજરાતમાંથી SFACની એક માત્ર FP0ને તા. 19થી 22 સપ્ટેમ્બર 2024 સુધી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024માં પોતાની પ્રોડક્ટ પ્રદર્શિત કરવાની તક મળી હતી.

આ પ્રદર્શનમાં વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાની કાજુ, રાગી, મોરિયો, દેશી ચોખા અને કઠોળ મૂક્યા હતા. દેશ વિદેશમાં વ્યાપાર કરતા ઈરાન, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, દુબઈ, કેનેડા અને USA જેવા દેશોના 45 થી વધુ વેપારીઓ સાથે B2Bમાં મુલાકાત થઈ હતી, વેપારીઓ કપરાડાની પ્રાકૃતિક ખેતીની  પ્રોડક્ટ જોઈને ખુશ થઈ ગયા હતા અને વેપાર કરવાની ઈચ્છા વ્યકત કરી હતી.

 આગામી દિવસોમાં વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના પ્રાકૃતિક ખેતીના  ધાન્ય પેદાશ અને કાજુનો સ્વાદ વિદેશોમાં પણ ખાવા મળશે. પ્રાકૃતિક ખેતી આધારિત ખાદ્ય સામગ્રી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જેથી કપરાડા તાલુકામાં પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિન પ્રતિદિન વિસ્તરતો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *