વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા નવો ઉમેદવાર ઉતારતા લોકોમાં નારાજગી

ગુજરાત

વલસાડ-ડાંગ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલ સામે ભાજપે વાંસદાના ઝરી ગામના ધવલ પટેલને મેદાનમાં ઉતારતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી છે. ધવલ પટેલ ભાજપના આઇટી સેલમાં કામ કરતા હતા, પરંતુ જમીની સ્તરે લોકો વચ્ચે તેઓ રહ્યા નથી.

ધવલ પટેલ ક્યારેય વલસાડ, ધરમપુર કે ઉંમરગામ જોવા મળ્યા નથી, એમણે માત્ર આઇ.ટી સેલની ઓફિસમાં બેસીને જ કામગીરી બજાવી હોવાનું કહેવાય છે, જમીની સ્તરે લોકો વચ્ચે રહ્યા નથી, ભૌગોલિક પરિસ્થિતિથી તેઓ વાકેફ નથી, સાથે તેઓ સ્થાનિક આદિવાસી સમાજના યુવાઓને આઇટી ક્ષેત્રમાં લઇ જવાની વાતો કરી રહ્યા છે, પરંતુ અહીં આદિવાસી સમાજના આદિવાસી સમાજના જળ, જંગલ જમીનના પ્રશ્નો, નર્મદા- તાપી રીવર લિંકના પ્રશ્નો અને સ્થાનિક કક્ષાના પ્રશ્નોની તેઓ વાત કરતા નથી. ત્યારે આગામી દિવસોમાં મતદારો સમક્ષ તેઓ ક્યા મુદાઓ લઇને જશે એ પણ હાલ ચર્ચાનો વિષય છે.

સ્થાનિક મતદારો જણાવી રહ્યા છે કે જે વ્યક્તિને અમે ઓળખતા જ નથી એવા વ્યક્તિને સહયોગ કેવી રીતે કરવો? અમારા પ્રશ્નોને વાચા તે કઇ રીતે આપશે. હાલ વલસાડ-ડાંગમાં તેમનું નામ જાહેર થતાં અનેક કાર્યકર્તાઓમાં પણ આંતરિક નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર તેમના નામની જાહેરાત થયા બાદ જ્યારે તેવો વલસાડ પહોંચ્યા ત્યારે વલસાડના કાર્યાલય ઉપર માત્ર ગણતરીના કાર્યકરો તેમની સાથે શુભેચ્છાઆપવા માટે જોડાયા હતા. જ્યારે સંભવિત ઉમેદવારો જેમના નામો ચર્ચામાં હતા. તે પૈકીના એક પણ વ્યક્તિ સ્થળ ઉપર હાજર ન હતા.

વાસદાના ઝરી ગામના વતની અને સુરત ખાતે રહેતા તેમજ દિલ્હી ખાતે ફરજ બજાવતા ધવલ પટેલને વલસાડ-ડાંગ વિસ્તારના લોકો આવકારી મત આપશે કે કેમ? વલસાડ-ડાંગ લોકસભા બેઠકનો રેકોર્ડ તૂટવાની સંભાવના તીવ્ર બની છે. વલસાડ-ડાંગ લોકસભા ચૂંટણીમાં સરકાર કદાચ ભાજપની બનશે, પરંતુ વલસાડ ડાંગ બેઠક પર કોંગ્રેસની સત્તા રહેશે તેવું વાતાવરણ હાલ જણાઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *