ગુજરાત:
તાજેતરના વર્ષોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખૂબ જ વધી ગયુ છે કારણ કે વધુ લોકો પરંપરાગત ખેતી પદ્ધતિઓની નકારાત્મક અસરોથી વાકેફ થયા છે. કોઈપણ કેમિકલ કે રસાયણનો ઉપયોગ કર્યા વગર પોતાની પાસે જે કઈ કુદરતી વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી કરવામાં આવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી .
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે “પ્રાકૃતિક જીવન શ્રેષ્ઠ જીવન ” વિષય પર સંવાદ યોજાયો હતો . નેચરોપથી એક્ષપર્ટ એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સુરત સહિત દક્ષિણ ગુજરાતના વ્યવસાયિકો અને ઉદ્યોગકારોને પ્રાકૃતિક જીવનની આવશ્યકતા અને આર્થિક પ્રગતિ સાથે પ્રાકૃતિક સંકલ્પના અને ઉદ્યોગ-ધંધા તથા પ્રાકૃતિક જીવનના સંતુલન વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે ફેમિલી ડોક્ટર બધાના છે પણ ફેમિલી ખેડૂત શોધો એટલે પછી ફેમિલી ડોક્ટરની જરુર ઓછી પડશે.
તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ગુજરાતના 9 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે . માસ્તર ટ્રેઈનરો દ્વારા પ્રતિ મહીને રાજ્યના 3.50 લાખથી 4 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનને ખરીદવા ઉદ્યોગકારોને જણાવવામાં આવ્યું હતુ.
આવનારા 2 વર્ષમાં ગુજરાતને રસાયણમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે એવું કહી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સંવાદમાં હાજર લોકોને પ્રાકૃતિક ખેતીની સાથે સાથે પ્રાકૃતિક જીવન જીવવાનું સૂચન કર્યું હતુ અને જંકફૂડથી બચવા માટે કહ્યું હતું.
“પ્રાકૃતિક જીવન, શ્રેષ્ઠ જીવન.”