વલસાડ: ધરમપુર
ધરમપુરમાં ઠગ ઇસમો કસબ અજમાવી એક વૃધ્ધાના સોનાના 30 તોલાના 2 પાટલા ઉતારી તફડાવી ભાગી જવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના કુંભાર ફળીયા પોસ્ટ ઓફિસ પાછળ રહેતા 74 વર્ષીય વૃધ્ધા ઇન્દુબેન જયંતિભાઈ પ્રજાપતિ દસોંદી ફળીયામાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની સામે તેમની માટીના વાસણોની દુકાન પર બેસેલા હતા. ત્યારે ગ્રાહક બની તેમની દુકાને આવેલા બે અજાણ્યા ઈસમોએ 10 રૂપિયાના કોડીયાની ખરીદી વાતચીત કરી વિશ્વાસમાં લીધા બાદ નવી દુકાન ખોલવાની છે કહી રૂ. 500ની બે નોટ આપી વૃધ્ધાને પહેરેલા સોનાના પાટલા સાથે ટચ કરવાનું કહ્યું હતું. જેથી તેણીએ હાથમાં પહેરેલા બંને પાટલા કાઢયા હતાં.
આ દરમ્યાન બીજા ઇસમે આશરે રૂ 45,000ની કિંમતના આશરે 30 ગ્રામના બંને સોનાના પાટલા તથા રૂ.500ની બે નોટ એક પેપરમાં મુકાવી પડીકું વાડી બંને ઈસમોએએ તેણીને પડીકુ પકડાવી ગલ્લામાં મુકવા કહ્યું હતું. જેથી તેણીએ ગલ્લો ખોલતા ઈસમોએ પડીકું અંદર મૂકી ઝડપથી દુકાનમાંથી નીકળી બાઈક પર બેસી નાસી છૂટયા, વૃધ્ધાએ તાત્કાલિક ગલ્લો ખોલી જોતા અંદર પડીકું જોવા મળ્યું ન હતું.