વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર શપથ લીધા, ગુજરાતમાંથી મંત્રીમંડળમાં કોની પસંદગી થઈ?

ગુજરાત

લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ નવી સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળ સાથે શપથ લીધા છે. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લીધા છે.

ગુજરાતમાંથી પણ કેટલાક નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તો બીજી તરફ ગુજરાતમાંથી અને રાષ્ટ્રીય સ્તરે અનેક નેતાઓના પત્તાં કપાયાં છે.

કુલ 30 નેતાઓએ કૅબિનેટકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. સાંજે 7.15થી વડા પ્રધાન, કૅબિનેટકક્ષાના મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સૌને શપથ અપાવ્યાં હતાં.

ગુજરાતમાંથી મંત્રી તરીકે અમિત શાહ, સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, અને એસ. જયશંકરનો સમાવેશ થયો છે. તેમણે કૅબિનેટકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. ગુજરાતમાંથી કુલ ચાર મંત્રીઓ કૅબિનેટકક્ષાના મંત્રી બન્યા છે.

ભાવનગરથી પહેલીવાર ચૂંટાયેલાં સંસદસભ્ય નીમુબહેન બાંભણિયા તેમણે 4.55 લાખ મતોથી જીત મેળવી હતી. તેઓ પણ રાજ્યકક્ષાનાં મંત્રી બન્યાં છે.

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા તથા રાજ્યકક્ષાના મંત્રી રહેલા દેવુસિંહ ચૌહાણની મંત્રીમંડળમાંથી બાદબાકી થઈ ગઈ છે. શપથગ્રહણ સમારોહમાં ભારતના પાડોશી દેશો સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ હાજર રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *