આંગણવાડી વર્કર્સ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી સાથે નવસારી કલેક્ટરને આવેદનપત્ર.

નવસારી

આંગણવાડી વર્કરો અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જૂનાથાણાથી કલેક્ટર કચેરી સુધી શક્તિપ્રદર્શન, ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચેતવણી.

નવસારી શહેરમાં આંગણવાડી વર્કરો દ્વારા લાંબા સમયથી બાકી રહેલી પોતાની ન્યાયસંગત માંગણીઓને લઈને વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉત્સાહભેર જોડાઈ હતી. જુનાથાણા ખાતેથી પ્રારંભ થયેલી આ રેલી નવસારી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી.

જ્યાં આંદોલનકારીઓએ એકતા અને સંઘર્ષનો શક્તિશાળી સંદેશ આપ્યો હતો. રેલી દરમિયાન બહેનો દ્વારા “હક્ક જોઈએ જ”, “ન્યાય આપો” જેવા ગૂંજતા નારા લગાવી તંત્ર પ્રત્યેનો અસંતોષ ખુલ્લેઆમ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વાંસદા-ચીખલી ના  ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિતના આગેવાનો રેલીમાં હાજર રહી આંગણવાડી વર્કરોના મુદ્દાઓને સમર્થન આપ્યું હતું.

કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમની માંગણીઓનો તાત્કાલિક અને યોગ્ય ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી. આંગણવાડી વર્કરોએ જણાવ્યું હતું કે વર્ષોથી તેમની માંગણીઓ અવગણાઈ રહી છે. અને વારંવાર રજૂઆત છતાં કોઈ સ્પષ્ટ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે હવે તેઓને આંદોલનનો માર્ગ અપનાવવો પડયો છે.

આંગણવાડી વર્કરોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને તે રાજ્યવ્યાપી સ્વરૂપ પણ લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *