ગુજરાત
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના સામે ક્ષત્રિય સમાજના લોકોનો રોષ ભભૂકી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાની શાબ્દિક ટિપ્પણીને કારણે ભાજપની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. જેમાં વિવિધ શહેરોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક મળી પણ હતી. જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો પણ જોડાયા હતા. અમદાવાદના ગોતામાં મોટા મોટા ક્ષત્રિય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદિપસિંહ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બળવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા બેઠકમાં હાજર રહ્યા હતા. ક્ષત્રિય સમાજની 92 લોકોની એક ટીમ છે. જેમણે આ બેઠકમાં આગેવાનોની રજૂઆત સંભાળી હતી.
આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, અમે બધાને સાંભળ્યા. બધા લોકોએ એક જ વાત કરી કે, પાર્ટી રૂપાલાને ત્યાંથી ખસેડી લે. આ સિવાય એક પણ વાત અમને મંજૂર નથી. તમે રૂપાલાને માફી આપવાની વાત લઇને આવ્યા છો તે અમને મંજૂર નથી.
કરણસિંહે કહ્યું કે, સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઇ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી. જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન સમિતિએ નક્કી કરેલા કાર્યક્રમો ચાલુ રહેશે.
ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે કોઈપણ ભોગે ઉમેદવાર બદલાય અને જો આમ થશે તો જ તેઓ સમાધાન માનશે અને જો ઉમેદવાર નહી બદલવામાં આવે તો વિરોધની આગ આવનારા દિવસોમાં પણ જોવા મળશે