ડાંગ જીલ્લાના આદિવાસીઓના રોજીંદા ખોરાકમાં વપરાતી રાગી (નાગલી) અનેક રોગોમાં ઉપયોગી

ડાંગ

ગુજરાત રાજ્યમાં આવેલ વનપ્રદેશ ડાંગ જિલ્લામાં વરસાદી ખેતી પર નિર્ભર ગરીબ આદિવાસી ખેડૂતો માત્ર ચોમાસા દરમિયાન રાગી (નાગલી)ની ખેતી કરતા હોય છે. નાગલીનો પાક ચોમાસામાં એટલે કે આશરે 100થી 120 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. અહીંના આદિવાસીઓનો મુખ્ય ખોરાક નાગલીનો રોટલો અને અડદની દાળ છે.

રાજ્ય સરકાર રાગી (નાગલી)ના પાક માટે તાલીમ આપે છે અને ખેતી માટે અન્ય રીતે મદદ પણ કરે છે, ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જીલ્લાના આદિવાસીઓના રોજીંદા ખોરાકમાં વપરાતી રાગી (નાગલી) હવે શહેરી લોકો પણ અપનાવતા થયા છે.

ગુજરાત રાજ્યમાં ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં રાગી (નાગલી) ઉગાડતા આદિવાસી ખેડૂતો તેના લોટમાંથી રોટલા બનાવી ખાય છે. આ ઉપરાંત અહીંની મહિલાઓ મંડળી બનાવી ગૃહ – ઉદ્યોગ તરીકે રાગી (નાગલી) પાપડી, બિસ્કીટ વગેરે તૈયાર કરી તેનું વેચાણ કરે છે. નાગલીના દાણા નાના અને લાલ રંગના હોય છે. રાગી (નાગલી)માં  કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ફાઇબર જેવા તત્વો પુષ્કળ માત્રામાં હોવાથી બાળકો તેમજ માતાઓ માટે અમુલ્ય છે. વળી તેમાં ફેટ ઓછું હોવાથી પાચનમાં હલકો છે.

નાગલી (રાગી) કુપોષણ, ડીજનરેટિવ રોગો અને અકાળે વૃદ્ધત્વ અટકાવવામાં મદદ કરી શકે છે. નાગલી (રાગી) બ્લડ પ્રેશર, યકૃત વિકાર, અસ્થમાં અને હૃદય નબળાઈ ધરાવતા વ્યક્તિઓ માટે ફાયદાકારક સાબિત થયેલ છે.  રાગી આધારિત આહાર ડાયાબિટીસમાં મદદ કરે છે કારણ કે તેમાં ચોખા અને ઘઉં કરતાં વધુ ફાયબર હોય છે.

રાગી (નાગલી)નો  વપરાશ કુદરતી રીતે શાંત રહેવામાં મદદ કરે છે, તે ચિંતા, ડિપ્રેશન અને અનિંદ્રાની સ્થિતિમાં ફાયદાકારક છે, તે માઇગ્રેન માટે પણ ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *