ભારત
સીજેઆઈ ચંદ્રચૂડની ભલામણના આધારે ન્યાયની દેવીની મૂર્તિ અને તેમના પ્રતીકોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ન્યાયની દેવીનું સ્વરૂપ બદલવામાં આવ્યું છે. નવા સ્વરૂપ સાથેની પ્રતિમાઓ જજની લાઈબ્રેરીમાં મુકવામાં આવી છે.
સામાન્ય રીતે આપણે ફિલ્મો, સિરિયલો અને બીજા ઘણા માધ્યમોમાં જ્યારે અદાલત જોઈએ ત્યારે ન્યાયાધિશની બાજુમાં ન્યાયની દેવીની મૂર્તિ હોય છે. ન્યાયની દેવીની મૂર્તિ ઉપર આંખે પાટા બાંધેલા અને હાથમાં તલવાર રાખેલી તથા બીજા હાથમાં ત્રાજવું રાખેલું હોય છે. ન્યાયની આ દેવીને ધ્યાનમાં રાખીને અંધા કાનૂન અને બીજી ઘણી ફિલ્મો બનેલી છે. આ ન્યાયની દેવીની મૂર્તિમાં હવે મોટું પરિવર્તન આવ્યું છે.
ન્યાયની દેવીમાં ફેરફાર
સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આમાં આંખની પટ્ટી હટાવી દેવામાં આવી છે. હાથમાં તલવારની જગ્યાએ બંધારણ આવ્યું છે.
હાથમાં તલવારને બદલે બંધારણ
આ રીતે દેશની સર્વોચ્ચ અદાલતે એવો સંદેશ આપ્યો છે કે કાયદો હવે આંધળો નથી રહ્યો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નિર્દેશ પર ન્યાયની દેવીની આંખ પરથી પાટા હટાવીને તેમના હાથમાં તલવારની જગ્યાએ બંધારણને સ્થાન આપવામાં આવ્યું છે. મૂર્તિના હાથમાં ત્રાજવુંનો અર્થ છે કે ન્યાયની દેવી નિર્ણય લેવા માટે કેસના પુરાવા અને હકીકતોનું વજન કરે છે. તલવારનો અર્થ એ હતો કે ન્યાય ઝડપી અને અંતિમ હશે.