ઝારખંડ
22 વર્ષી સલીમા ટેટે આદિવાસી સમાજમાંથી આવે છે અને તેણે અહીં સુધી પહોંચવા માટે ભારે સંઘર્ષ કર્યો છે. હોકી ટીમની નવી કેપ્ટન સલીમા ટેટે ઝારખંડના સિમડેગા જિલ્લાની રહેવાસી છે.
સલીમા ટેટે જન્મ ઝારખંડના સિમડેગા જિલ્લાના નાનકડા ગામ બડકી છાપરમાં થયો હતો. તેના પિતા એક ખેતમજૂર છે. એક સમયે તેના પિતા પણ સ્થાનિક હોકી ખેલાડી હતા. એટલે સલીમાએ પિતાના પગલે ચાલીને હોકીમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. તેની માતા અને તેની મોટી બહેન લોકોના ઘરે ઘરકામ કરી વાસણ માંજીને ઘરનું ગુજરાન ચલાવતી હતી.
થોડા દિવસ પહેલા વર્ષ 2023 માટે પ્લેયર ઓફ ધ યર માટે પ્રતિષ્ઠિત હોકી ઈન્ડિયા બલબીર સિંહ સીનિયર પુરસ્કાર મેળવનારી ઝારખંડની આદિવાસી સમાજની દીકરી સલીમા ટેટેને ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.
એપઆઈ પ્રો લીગ માટે 24 સભ્યોની ભારતીય મહિલા હોકી ટીમની જાહેરાત કરવાની સાથે જ તેની કમાન સલીમા ટેટેના હાથમાં સોંપી દેવામાં આવી છે.
આ વખતે પણ ભારતીય મહિલા હોકી ટીમમાં ઝારખંડમાંથી ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં સલીમા ટેટે ઉપરાંત સંગીતાકુમારી, દીપિકા સોરેંગ અને નિક્કી પ્રધાનનું નામ સામેલ છે.
ભારતીય મહિલા હોકી ટીમ બેલ્જિયમ અને ઈંગ્લેન્ડ સામે 22 મેથી 9 જૂન વચ્ચે મેર રમશે. ટીમ પહેલા 22 થી 26 મે સુધી બેલ્જિયમનો પ્રવાસ કરશે, અને પછી 1 જૂનથી 9 જૂન વચ્ચે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે.
વર્ષ 2013માં સલીમા ટેટેની પ્રતિભાનો લોકોને પરિચય થયો હતો. એ વખતે સિમડેગામાં ઝારખંડ સરકારના દ્વારા સંચાલિત રેસિડેન્શિયલ હોકી સેન્ટર માટે તેની પસંદગી કરવામાં આવી હતી. એ પછી તેને રાજ્યની ટીમમાં રમવાની તક મળી હતી અને પછી તેણે નેશનલ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
સલિમા અત્યાર સુધીમાં ટોક્યો ઓલિમ્પિક, વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં રમી ચૂકી છે. વર્ષ 2016માં સલીમાને જુનિયર ભારતીય મહિલા ટીમમાં પસંદ કરવામાં આવી હતી. જે તેની ઈન્ટરનેશનલ ડેબ્યૂ મેચ હતી. તે ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં શાનદાર દેખાવ કરતી જોવા મળી છે.
હવે જ્યારે સલીમા ભારતીય હૉકી ટીમની કેપ્ટન બની છે, ત્યારે દેશભરની મહિલાઓ માટે તે આદર્શ બની ચૂકી છે, આદિવાસી સમાજની સેંકડો યુવતીઓ માટે તે પ્રેરણારૂપ બની છે.