ગુજરાત
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ- ચાર દિવસ માટે ગુજરાત રાજ્યના કેટલાંક વિસ્તારમાં વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે, જેને પગલે ગતરોજ સૌરાષ્ટ્ર, મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. કરા સાથે વરસાદ જોવા મળ્યો છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગતરોજ બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા કપરાડા અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર ચક્રવાત આવ્યા બાદ કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. નવસારી જિલ્લાના જીલ્લાના કેટલાંક ગામડાઓમાં પણ વરસાદ જોવા મળ્યો હતો.
કમોસમી વરસાદના કારણે ઉનાળું પાક તલ, બાજરી, જુવાર, ડુંગળી તથા કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે. જેના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.
કે.એ શાહ (નવસારી જિલ્લા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વડા ) જણાવે છે કે કરા સાથે વરસાદ પડવાથી શાકભાજી વાવતા ખેડૂતો તેમજ આંબાના પાકની ખેતી કરતા ખેડૂતોને મુશ્કેલી આવી શકે છે, શાકભાજીમાં ફૂગ અને જીવાતનો રોગ આવી શકે છે, તેની સાથે આંબામાં પણ ફૂગજન્ય રોગની ભીતિ સેવાઈ રહી છે.
વલસાડ, ભાવનગર, બોટાદ, અમરેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ, નવસારી સહિતના જિલ્લાઓ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે. ભારે પવનના લીધે અનેક વિસ્તારોમાં શેડ તુટી જવા, વૃક્ષો ધરાશયી થવાના, બનાવો સહિત ભારે પવનના લીધે નાનું-મોટું નુકસાન થયું છે.
હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 16 મે સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરેલી છે.