નવસારી:
નવસારી જિલ્લામાં વારંવાર સર્જાતા ટ્રાફિક જામમાંથી બોર્ડના વિદ્યાર્થીઓને બહાર કાઢવા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ટ્રાફિકવિભાગની૩,પોલીસ મથકની1-1 મળીકુલ13પીસીઆર વાન વિદ્યાર્થીઓને ટ્રાફિકમાંથી પરીક્ષા સ્થળેપહોંચાડવા તૈયાર.
નવસારી જિલ્લામાં આગામી દિવસોમાં ધોરણ-10 અને 12ની પરીક્ષાનો આરંભ થવા જઇ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા દરેક પ્રકારની તૈયારી થઈ ગઈ છે. હાલમાં ટ્રાફિકની સમસ્યા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો કે દૂરથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાના સમય દરમિયાન ટ્રાફિકમાં ફસાય તેવા છાત્રો માટે નવસારી જિલ્લા પોલીસમાં કન્ટ્રોલ રૂમ સિવાય અન્ય પણ ખાસ કરીને નવસારી જિલ્લા માટે 6359626598 સ્પેશ્યલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ લાઈનનો દરેક વાલી-વિદ્યાર્થીઓને નોંધ લેવા માટે નવસારી પોલીસે અપીલ કરી છે.
નવસારી જિલ્લામાં તા.11 માર્ચથી બોર્ડની પરીક્ષાનો આરંભ થશે, જેમાં નવસારી જિલ્લામાં 35 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લા વહીવટી વિભાગના સંકલનથી પીસીઆર વાન દ્વારા ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવાની તૈયારી થઈ ગઈ છે. જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની પોલીસની ટીમ સજજ થઈ છે.
ધોરણ-10 અને 12 ની પરીક્ષા વિદ્યાર્થીઓના આવનારા જીવન ઘડતર માટે ખુબ જ અગત્યની હોય છે અને આવા સમયે જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિક અથવા અન્ય કોઈ સમસ્યાના ઉદભવે અને વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચી શકે તે માટે નવસારી જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્પલાઈન નંબર- 6359626598 બહાર પાડવામાં આવેલ છે અને ફોન કરનાર વિદ્યાર્થીઓને મદદ પહોંચાડવામાં આવશે. » પરાગભાઈ ડાવરા, પીએસઆઈ, ટ્રાફિક વિભાગ, નવસારી.
જેમાં જે સ્થળેથી વિદ્યાર્થીઓ ફોન કરશે ત્યાં નજીકના પોલીસ મથકની પીસીઆર વાન પહોંચી જશે અને વિદ્યાર્થીઓને પીસીઆર વાનમાં બેસાડીને પરીક્ષા કેન્દ્રમાં પહોંચાડવાનો માસ્ટરપ્લાન બનાવવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલ કોઈ પણ વિદ્યાર્થી ટ્રાફિકની સમસ્યાને કારણે પરીક્ષાથી વંચિત ન રહી શકે તે માટે પોલીસ વિભાગ સજજ છે. જિલ્લાના દરેક પોલીસ મથકે વિદ્યાર્થીઓ માટે અલગ પીસીઆર વાન સમય દરમિયાન સજજ રહેશે. ટ્રાફિક વિભાગની 3 અને દરેક પોલીસ મથકની એક એક મળી કુલ 13 પીસીઆર વાન વિદ્યાર્થીઓની સેવામાં રહેશે.
નવસારી જિલ્લામાં વિદ્યાર્થી જે તે કેન્દ્ર ઉપર મોડા પહોંચે તે માટે પરીક્ષા સ્થળે અધિકારીને યોગ્ય કારણ જણાવવું પડશે. જો ટ્રાફિકના કારણે કોઈવિદ્યાર્થી ફસાય અને પોલીસની મદદ લઈ આવે તેમના માટે નિયમ મુજબ વ્યવસ્થા કરવામાં આવશે. પણ પરીક્ષાના સમય કરતા વહેલા પહોંચે તે વધુ યોગ્ય. » જયેશભાઈ વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી.