જિલ્લાના હાઇવે પર વૃક્ષો બન્યા મફતના એડ સ્ટેન્ડ અને ખીલા ઠોકીને લીલીછમ પ્રકૃતિની કરાતી હત્યા.
વલસાડ જિલ્લાથી લઈને રાજ્યભરમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો તેમજ ગ્રામ્ય માર્ગોની બાજુમાં આવેલા વૃક્ષો પર જાહેરાતના બોર્ડ, બેનરો અને વિવિધ કંપનીઓના પ્રચાર-પ્રસારના પાટિયા-બેનરો ખીલી ઠોકીને લગાવવાની પ્રથા દિવસેને દિવસે વધી રહી છે.
રસ્તા કિનારે હરિયાળી અને પર્યાવરણનું રક્ષણ કરતા વૃક્ષો આજે જાણે મફ્તના જાહેરાત સ્ટેન્ડ બની ગયા હોય તેવા દૃશ્યો સામાન્ય બન્યા છે. સ્થાનિક નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓનું કહેવું છે કે માર્ગોની બાજુમાં આવેલા વૃક્ષો જાહેર સંપત્તિ સમાન છે અને તેમને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા સંબંધિત તંત્ર દ્વારા આવા બોર્ડ-બેનરો દૂર કરાવી જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વૃક્ષો માત્ર લાકડું નથી, પરંતુ જીવંત પ્રકૃતિની અમૂલ્ય સંપત્તિ છે. જાહેરાત માટે ખીલા ઠોકીને તેમને નુકસાન પહોંચાડવું એ પર્યાવરણ સામેનો ગુનો સમાન છે. તેવી લાગણી જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.