ધારાસભ્ય અનંત પટેલે ગેસની કટોકટી વચ્ચે વાંસદા-ડાંગમાં મફત નિધૂમ ચુલા વિતરણ.

નવસારી: વાંસદા

વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની દુરંદેશી પહેલ ફરી ચર્ચામાં આવી.

ઇરાન-ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવના પ્રભાવથી દેશભરમાં ગેસ સિલિન્ડરની અછત ઊભી થતાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આદિવાસી વિસ્તાર વાંસદા અને ડાંગમાં ફરી એકવાર નિધૂમ ચુલા વિતરણ કરવામાં આવ્યા છે, પરંપરાગત વિકલ્પો તરફ વળવાની સ્થિતિ સર્જાઈ છે. આવી કટોકટી વચ્ચે વર્ષો પહેલાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા શરૂ કરાયેલ ‘નિધૂમ ચૂલા’ વિતરણ યોજના આજે ગ્રામજનો માટે જીવનરક્ષક આધાર બની છે.

વાંસદા તાલુકાના અનેક ગામોમાં ખાનગી કંપનીના સહયોગથી વિતરણ કરાયેલા આ ચૂલાઓ મૂળ આરોગ્ય અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા હતા. પરંતુ હાલ ગેસની અછતને કારણે તે માત્ર વિકલ્પ નહીં, પરંતુ અનિવાર્ય સાધન બની ગયા છે. ગેસ સિલિન્ડર મેળવવામાં થતી મુશ્કેલીઓ વચ્ચે ગ્રામ્ય પરિવારો ફરી આ ચૂલાઓ પર નિર્ભર બન્યા છે.

આદિવાસી સમાજ પરંપરાગત રીતે પ્રકૃતિ સાથે જોડાયેલો છે અને ઓછા સંસાધનોમાં જીવન જીવવાની ક્ષમતા ધરાવે છે. ‘નિધૂમ ચૂલા’એ આ જીવનશૈલીને વધુ મજબૂત બનાવી છે. ઓછા બળતણમાં ઝડપી રસોઈ, ઓછો ધુમાડો અને આરોગ્ય માટે લાભદાયક હોવાને કારણે ખાસ કરીને મહિલાઓ માટે આ ચૂલા ખૂબ ઉપયોગી સાબિત થયા છે. સરકાર દ્વારા ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવવા પ્રયાસો છતાં હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિએ પુરવઠા પર અસર પાડી છે.

આવા સમયે વૈકલ્પિક વ્યવસ્થાઓના અભાવે ગ્રામ્ય વિસ્તારો મુશ્કેલીમાં મુકાઈ શકે, પરંતુ અહીં ‘નિધૂમ ચૂલા’ મજબૂત  સબિત થયા છે. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલનો તે સમયનો નિર્ણય માત્ર યોજના જ નહીં, પરંતુ દુરંદેશી વિચારસરણીનો પરિચય છે. મહિલાઓને ધુમાડાથી થતા રોગોથી બચાવવાનો હેતુ આજે જીવનરક્ષક સાબિત થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *