નવસારી:
ગુજરાતમાં હાલ શાળા પ્રવેશોત્સવની પ્રક્રિયા ચાલી હોય જેમાં ગણદેવી ના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ (કેબીનેટ મંત્રી, આદિજાતિ વિકાસ ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ ) દ્વારા નવસારી જીલ્લાના ખેરગામ, વાંસદા, ચીખલી, ગણદેવી જેવા વિસ્તારોમાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે.
‘પ્રગતિનો પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ’ અંતર્ગત ખેરગામ તાલુકાની વાડ પ્રાથમિક શાળા (PM SHREE) ખાતે ઊંચાબેડા વાડ પ્રાથમિક શાળા, વાડ ઉતાર પ્રાથમિક શાળા અને કાવલાખડક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે આયોજિત કાર્યક્રમમાં સહભાગી બની નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
તેમજ ખેરગામ તાલુકાના વાડ ગામે નિર્માણ પામી રહેલા ‘વન કવચ’ ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. વૃક્ષો માત્ર પ્રકૃતિની શોભા નથી, પરંતુ આવનારી પેઢી માટેનું અમૂલ્ય ધન છે. હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ માટે સૌએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ.

વધુમાં જણાવ્યું કે દરેક બાળક ગુણવત્તાસભર શિક્ષણ મેળવી પોતાના સપનાઓને સાકાર કરી શકે અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકે તે માટે ગુજરાત સરકાર સતત કાર્યરત છે.
વાંસદા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ
વાંસદા તાલુકાના મીંઢાબારી અને બોરિયાછ ગામે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત માનનીય કલેકટરશ્રી મનીષ ગુરવાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મીંઢાબારી અને બોરિયાછ ગામે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાલવાટિકા, ધોરણ-1, આંગણવાડી, ધોરણ-9 અને ધોરણ-11ના કુલ 273 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કલેક્ટરશ્રી દ્વારા જણાવ્યું કે શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે ગ્રામ પંચાયત, વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ વચ્ચે સહભાગિતાના મહત્વ પર ભાર મૂક્યો. સાથે જ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સંવાદ કૌશલ્ય વિકસાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘બોલેગા બચપન’ નામના નવતર અભિયાનની જાહેરાત કરી, જેના અંતર્ગત વિદ્યાર્થીઓને મંચ પર પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવશે.
વધુમાં જણાવ્યું કે બાળકો નિર્ભયતાથી પોતાની વાત રજૂ કરી શકે તેવું વાતાવરણ સર્જવું સમાજની સામૂહિક જવાબદારી છે. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો.
ખેરગામ તાલુકામાં શાળા પ્રવેશોત્સવ
ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ–2026 તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયકની અધ્યક્ષતામાં ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં કુલ 7 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળાના 3 અને પોમાપાળ પ્રાથમિક શાળાના 4 બાળકોનો સમાવેશ થાય છે. ઉપરાંત અન્ય શાળાઓમાંથી ધોરણ-6માં પ્રવેશ મેળવનાર 7 વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના બાળકોનું પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધોરણ 1 થી 8 સુધીની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર તથા 100 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયકે શાળાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)ના સભ્યો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં શાળાના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તા, વિદ્યાર્થીઓની પ્રગતિ તથા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન દાતાશ્રીઓ શ્રી શંકરભાઈ પટેલ, શ્રીમતી આશિકીકુમારી પટેલ, શ્રીમતી વિભાબેન પટેલ અને શ્રીમતી હેમલતાબેન પટેલનું બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણે પ્રેરણાદાયી પ્રવચન આપી શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયકે પણ બાળકોને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહિત કરતાં ગુણવત્તાયુક્ત શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો.
કાર્યક્રમમાં લાયઝન અધિકારી શ્રી જીગરભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી મોહિનીબેન પટેલ, શ્રીમતી જિજ્ઞાબેન પટેલ, શ્રીમતી રશ્મિબેન ટેલર, પૂર્વ સરપંચ શ્રી કાર્તિકભાઈ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય શ્રીમતી હેમલતાબેન પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી વિભાબેન પટેલ, ગ્રામ પંચાયત સભ્ય શ્રી રાકેશભાઈ પટેલ, આગેવાનો શંકરભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, કનુભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ, બંને શાળાના SMC સભ્યો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.