PSI ઉમેદવારોમાં આદિવાસી દીકરીઓની સિદ્ધિ: સમાજમાં પ્રેરણા રૂપ બની


ગુજરાત

તારીખ. 8 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યસ્તરીય કાર્યક્રમમાં ગુજરાતના શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 449 નવા PSI ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં આદિવાસી દીકરીની સિદ્ધિ:

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સાકવા ફળિયું (કોલીવાડા) ગામની આદિવાસી દીકરી દિવ્યાબેન પોહનાભાઈ વસાવાએ ગુજરાત પોલીસ વિભાગમાં બિન-હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તરીકે પસંદગી મેળવી પોતાના પરિવાર, ગામ અને સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.

દિવ્યાબેને કુલ 472 ઉમેદવારોમાં 421મો રેન્ક તેમજ ST મહિલા વર્ગમાં 9મો રેન્ક મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સફળતા સાબિત કરે છે કે મહેનત, સંકલ્પ અને આત્મવિશ્વાસ હોય તો કોઈપણ લક્ષ્ય અશક્ય નથી.

દિવ્યાબેનની આ ઉપલબ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજની દીકરીઓ માટે પણ પ્રેરણાદાયક ઉદાહરણ બની છે.

અમલસાડી ગામની દીકરી ઉર્વશીબેન ચૌધરી PSI પરીક્ષામાં સફળ, ગામમાં ગૌરવની લાગણી.

સુરત જિલ્લાના અમલસાડી ગામ માટે ગૌરવની વાત છે કે ગામની શ્રીમતી ઉર્વશીબેન જિતેન્દ્રભાઈ ચૌધરીએ ગુજરાત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવી છે. તેમની આ નોંધપાત્ર સિદ્ધિથી સમગ્ર ગામમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. હાલ તેઓ આગળની તાલીમ (ટ્રેનિંગ) માટે રવાના થયા છે.

ઉર્વશીબેનના પિતા શ્રી જીતેન્દ્રભાઈ ચૌધરી ખેતી તેમજ ડ્રાઇવિંગનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મર્યાદિત સંસાધનો વચ્ચે પણ તેમણે પોતાની દીકરીના શિક્ષણ અને કારકિર્દી માટે સતત મહેનત કરી, દરેક પરિસ્થિતિમાં તેનો ઉત્સાહ વધાર્યો અને સંપૂર્ણ સહયોગ આપ્યો. પિતાના સંઘર્ષ અને ઉર્વશીબેનના અવિરત પરિશ્રમનું ફળ આજે PSI જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા સ્વરૂપે મળ્યું છે.

ઉર્વશીબેનની સફળતાના પાયામાં નાની ભટલાવના સરપંચ અંકિત ચૌધરીના માર્ગદર્શન હેઠળ સંચાલિત લાઇબ્રેરી અને ગ્રાઉન્ડ પ્રેક્ટિસનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું..અંતે તેમણે પોતાનું PSI બનવાનું સપનું સાકાર કરીને પરિવાર, ગામ અને સમગ્ર વિસ્તારનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.

ઉર્વશીબેનની આ સિદ્ધિ ખાસ કરીને પરિણીત મહિલાઓ, દીકરીઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

સખત પરિશ્રમનું સપનું સાકાર: હિના ગામીત PSIમાં 10મા ક્રમે સફળ, શાંતિનિકેતન પુસ્તકાલયનું વધ્યું ગૌરવ

અવિરત મહેનત, આત્મવિશ્વાસ અને લગનનું મળ્યું ફળ; પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂકથી વિસ્તારમાં ખુશીની લાગણી

સખત પરિશ્રમ, દૃઢ સંકલ્પ અને અવિરત પ્રયત્નોના બળે હિના ગામીતે ગુજરાત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ભરતીમાં રાજ્યભરમાં 10મો ક્રમ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. તેમની પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થતાં પરિવારજનો, મિત્રો તેમજ સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.

હિના ગામીતની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ શાંતિનિકેતન પુસ્તકાલય માટે પણ ગૌરવની ક્ષણ બની છે. પુસ્તકાલય સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમની સફળતા એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન, નિયમિત અભ્યાસ અને અડગ મહેનતથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.

હિના ગામીતને વિવિધ સામાજિક આગેવાનો, શિક્ષકો, પુસ્તકાલયના સંચાલકો તથા શુભેચ્છકોએ અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. તેમની આ ઉપલબ્ધિ અન્ય યુવાનોને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સંદર્ભ: આદિવાસી અસ્મિતા (facebook page)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *