વલસાડઃ ધરમપુર
વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામે શનિવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં તણસિયા ગામના બાઈક ચાલકને ઈજા પહોંચી હતી . જેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં મૃતક બાઈકચાલકની પત્ની, અન્ય એક મહિલા સહિત સામા પક્ષના બાઇકચાલક અને બાઈકસવાર યુવાન મળી અન્ય ૪ વ્યક્તિઓને ઓછી વત્તી ઈજા થઈ હતી.
ધરમપુર તાલુકાના તણસીયા ગામના નવી નગરી ફળિયા ખાતે રહેતા વિપુલભાઈ રમણભાઈ ફડવળિયા બાઈક (નંબર GJ 15 AK 3852) ઉપર પત્ની મીનાક્ષીબેન સાથે વલસાડ તાલુકાના ફલધરા ગામે છૂટક મજૂરીકામે ગયા હતા. કામ પૂર્ણ થતા વિપુલભાઈ પત્ની મીનાક્ષીબેન તથા મજૂરીકામ માટે આવેલા પાડોશી પ્રેમિલાબેન સોમુભાઈ પવારને બેસાડી તણસિયા ગામે પરત ફરી રહ્યા હતા.
ત્રણેય ધરમપુરના આંબાતલાટ ધસારપાડા ફળિયા પાસે એટલે કે જેટકો પાવર સ્ટેશન ની નજીક થી પસાર થઈ રહ્યા હતા. જે વેળાએ સામેના વિરુદ્ધ ( રોંગ )સાઇડથી પૂરપાટ ઝડપે આવી રહેલી બાઈક (નંબર GJ 15 BC 3089)ના ચાલક આશિષ લાહન કેષ જેઓ ધરમપુર ના ખાંડા ગામનાં નિશાળ ફળિયામાં રહે, જેઓએ એ તેની બાઈક સામેથી અથડાવી દેતાં અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં બંને બાઈક પર સવાર પાંચેય વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.
રોડ પર પટકાયેલા વિપુલભાઈને મોઢા અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઓછી વત્તી ઇજા થઇ હતી. ઘટના પછી તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિપુલભાઈને સારવાર માટે વલસાડની સિવિલમાં લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિપુલભાઈને સારવાર મળે તે પહેલાં જ મૃત જાહેર કર્યો હતો.