વલસાડ: નાનાપોંઢા
સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવા વલસાડ જિલ્લાના નાનાપોંઢા અને કપરાડા તાલુકામાં ‘હર ઘર તિરંગા’ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની આગેવાની હેઠળ યોજાયેલી આ યાત્રામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને નીકળેલી યાત્રાથી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. યાત્રા દરમિયાન “ભારત માતા કી જય” સહિતના દેશભક્તિના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. રસ્તાની બંને બાજુથી નાગરિકોએ પણ યાત્રાનું સ્વાગત કરી દેશભક્તિની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસનો વલસાડ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ આ વર્ષે નાનાપોંઢા ખાતે યોજાઈ રહ્યો છે. આ સમગ્ર વલસાડ જિલ્લા માટે ગૌરવની બાબત છે. આપણા દેશની આઝાદી માટે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું જીવન અને સર્વસ્વ સમર્પિત કર્યું છે. તેમના બલિદાનને યાદ કરીને આપણે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. નાનાપોંઢા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસનો કાર્યક્રમ સમગ્ર વિસ્તાર માટે ગૌરવપૂર્ણ પ્રસંગ બનશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહે અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીને ભવ્ય બનાવે તે માટે તેમણે સૌને આમંત્રણ આપ્યું હતું. ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું કે, સ્વાતંત્ર્ય દિવસ માત્ર ધ્વજવંદન કે એક દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ. આ દિવસ આપણને દેશ પ્રત્યેની ફરજ, જવાબદારી અને રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ કરાવે છે. દરેક નાગરિકે પોતાના ક્ષેત્રમાં પ્રમાણિકતા અને જવાબદારી સાથે કાર્ય કરીને દેશની પ્રગતિમાં સહભાગી બનવું જોઈએ.
ધરમપુર તાલુકા પણ ભવ્ય તિરંગા યાત્રા:
ધરમપુર નગરમાં યોજાયેલી ૩ કિ.મી. લાંબી ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.
ધરમપુરમાં તિરંગાની શાન અને ભારત માતાના જયઘોષ સાથે ત્રણ દરવાજાથી નીકળેલી ૩ કિ.મી. લાંબી તિરંગા યાત્રામાં દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રગૌરવનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો. આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હાથીખાના ખાતે પૂર્ણાહુતિ થઈ હતી.
આ તિરંગા યાત્રામાં ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી મયંકભાઇ મોદી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, જિલ્લા સંગઠન અધ્યક્ષશ્રી હેમંતભાઈ કંસારા, ધરમપુર શહેર સંગઠન અધ્યક્ષશ્રી અમિત ચોરેરા તથા મોટી સંખ્યામાં નગરજનો અને વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.