વલસાડ: ધરમપુર
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં જિલ્લા આરોગ્ય ખાતાની ટાસ્કફોર્સ દ્વારા આકસ્મિક ચેકિંગ દરમ્યાન જાહેરમાં ધુમ્રપાન કરનાર ૧ વ્યક્તિ અને તમાકુ વેચતા ૨૮ દુકાનદારો મળી કુલ ૨૯ પાસેથી રૂપિયા ૫૮૦૦/- રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો.
મળતી માહિતી મુજબ તારીખ 19/08/2026 ના રોજ સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ સાથે મળી સ્ટીયરીંગ કમિટી દ્વારા ધરમપુર તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ચેકિંગ દરમ્યાન જાહેરમાં ધુમ્રપાન કરનાર અને તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા પાનના ગલ્લા, પાર્લર કુલ ૨૯ કેસ અને રૂપિયા ૫૮૦૦/- રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ.કે. સિંહ, એપેડેમિક મેડીકલ ઓફિસરશ્રી ડો. મનોજ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગમાંથી પી.સી.શ્રી. રણજીતસિંહ અને પી.સી.શ્રી.વસંતભાઈ પગોર અને જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલમાંથી કાઉન્સેલર સુમિત્રાબેન બાગુલ અને સોશિયલ વર્કરશ્રી એ.એ.પટેલ તથા ટી.એમ.પી.એચ.એસ. શ્રી નિરવભાઈ કેદારીયા હાજર રહી સફળપુર્વક કામગીરી કરવામાં આવી છે.
વિક્રેતાઓને કાયદાકીય સમજ સાથે ચેતવણી પણ આપવામાં આવી
ટાસ્ક ફોર્સ દ્વારા પાનના ગલ્લા અને વિક્રેતાઓને કલમ-૪ જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ તથા કલમ-૬(અ)૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. કલમ-૬(બ) શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની વેચાણ પર પ્રતિબંધ છે. એવી સમજ આપી વેચાણ નહીં કરવા ચેતવણી આપવામાં આવી હતી.
તેઓને “તમાકુથી કેન્સર થાય છે અને ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે.” આવી આરોગ્ય વિષયક સમજ પણ અપાઈ હતી. આ સિવાય તમાકુ અને સિગારેટની અન્ય બનાવટોનું છૂટક વેચાણ ઉપર પણ પ્રતિબંધ છે એવી સૂચના આપવામાં આવી હતી.