દિવાસાના પર્વે નિમિત્તે આદિવાસી સમાજની રાજા રજવાડા સમયની ‘‘નાળિયેર ટપ્પા’’ની રમત આજપર્યંત જીવંત

દિવાસો શરૂ થતા જ હિન્દુ ધર્મના તહેવારોની શરૂઆત થઈ જાય છે. દિવાસાથી દિવાળી અને દેવદિવાળી સુધી અનેક તહેવારોમાં વિવિધ સમાજની અનેક ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરા જોવા મળે છે ત્યારે વલસાડ જિલ્લો આદિવાસી જિલ્લા તરીકે જાણીતો છે. આદિવાસી સમાજ ભલે આજે આધુનિક યુગમાં જીવતો હોય પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ વળગી રહ્યો છે. ખેતરોમાં રોપણી કર્યા બાદ આનંદ ઉજવવા માટે આદિવાસી સમાજના લોકો દિવાસા પર્વની ઉમંગભેર ઉજવણી કરે છે. બહુધા વસ્તી ધરાવતા ધરમપુર તાલુકામાં આદિવાસી સમાજ પોતાની પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવતો ‘‘નાળિયેર ટપ્પાનો રમોત્સવ’’ આ દિવસે રમે છે. જે આજના સમયમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

ધરમપુરમાં દિવાસાના દિવસે ખેલાતા ટપ્પા રમોત્સવને ‘‘ટપ્પા યુધ્ધ’’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે દિવાસાની ઉજવણી કરવા માટે ધરમપુરના સમડી ચોક ખાતે આદિવાસી સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ધરમપુરના આદિવાસી સમાજના આગેવાન ડો. હેમંત પટેલ જણાવે છે કે, દિવાસાનો દિવસ આદિવાસી સમાજ માટે ઉત્સવનો દિવસ છે.

વધુમાં આ દિવાસાના પર્વે ધરમપુરમાં આદિવાસી સમાજની રાજા રજવાડા સમયની ‘‘નાળિયેર ટપ્પા’’ની રમત આજપર્યંત જીવંત છે, ધરમપુરમાં રાજા રજવાડાના સમયથી આ રમત ચાલી આવી છે. આ ટપ્પા રમતમાં આત્મીયતાનો ભાવ આદિવાસી સમાજ અનુભવે છે.
આ ટપ્પા દાવ રમતમાં એક અંદાજ મુજબ ૨૦ હજારથી ૨૫ હજાર નંગ નાળિયેરની ખપત થઈ જાય છે.

ઢીંગલા-ઢીંગલીના લગ્ન અને વિસર્જનની અનોખી પરંપરા:

 

ગામડામાં દિવાસાના આ પવિત્ર ઢીંગલા ઢીંગલીને શણગારી આદિવાસી વાજિંત્રોના મધુર સૂર અને લગ્નગીતો સાથે વાજતે ગાજતે સાથે લગ્નના ગીત ગાતા ગાતા નદીમાં તરતા મુકવાની પણ પરંપરા હજુ સુધી જીવંત છે.

નવસારી પણ દિવાસાની ઉજવણી:

નવસારીમાં ૧૦૦ વર્ષ પહેલાં ફેલાયેલી કોલેરાની ભયાનક મહામારીને નાથવા માટે શરૂ થયેલી એક પરંપરાગત આદિવાસી લોકમાન્યતા અને શોભાયાત્રા એટલે ઢીંગલા બાપા. દક્ષિણ ગુજરાતના નવસારી શહેરના દાંડીવાડ વિસ્તારમાં હળપતિ અને આદિવાસી સમાજ દ્વારા દર વર્ષે અષાઢી અમાસ (દિવાસા) ના દિવસે આ ઉત્સવ ઉજવાય છે. તેમજ સાથે સાથે નવસારીના મોલધરા ગામે પણ ઢીંગલા ઢીંગલીના લગ્ન પ્રસંગનો ઉત્સવ ઉજવવામાં આવે છે મામાના ઘરેથી મોસાળું પણ લાવવામાં આવે છે અને વાજતે ગાજતે વરઘોડા સાથે ધામધૂમથી લગ્ન પ્રસંગની ઉજવણી પૂરા રીત રીવાજ સાથે કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *