તાપી: વ્યારા
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળકુઈ ગામની આદિવાસી દીકરી ડો. રિંકલ ચૌધરીએ એમ.બી.બી.એસ ડિગ્રી પ્રાપ્ત કરી સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.
ખેડૂત પિતા દિલીપભાઈ ચૌધરી અને ગૃહિણી માતા રેખાબેન ડી. ચૌધરી દીકરી રિંકલે ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ સરકારી શાળામાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમણે ભરૂચ સ્થિત ડૉ. કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માંથી એમ.બી.બી.એસ. નો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.
કુલ 19 વિષયોમાં સફળતા મેળવી 4.5 વર્ષનો અભ્યાસ અને 1 વર્ષની ઇન્ટર્નશિપ સાથે 5.5 વર્ષમાં એમ.બી.બી.એસ પૂર્ણ કરનાર રિંકલ ચૌધરી આજે અનેક આદિવાસી દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
તેમની આ સિદ્ધિ પાછળ માતા-પિતાની મહેનત, સંઘર્ષ અને ત્યાગનો મોટો ફાળો રહ્યો છે. હવે ડો. રિંકલ ચૌધરી આગળ પોસ્ટ ગ્રેજ્યુએટ (એમ. ડી/એમ. એસ) અભ્યાસ કરીને આદિવાસી સમાજ માટે તબીબી સેવા આપવાનો સંકલ્પ ધરાવે છે.
દીકરીઓને શિક્ષણ અને સંકલ્પ મળે તો તેઓ કોઈપણ શિખર સર કરી શકે છે — ડો. રિંકલ ચૌધરી તેનું જીવંત ઉદાહરણ છે.