ડાયાબિટીસનાં દરેક દર્દીઓમાં ભાતની અસર એકસરખી થતી નથી, તમે ભાત કોની સાથે ખાવ છો અને કેટલો ખાવ છો એ વધારે મહત્વનું છે

એકલો ભાત ખાશો તો સુગર ઝડપથી વધશે પણ દાળ, લીલા શાક, પ્રોટીન, સલાડ સાથે ખાશો તો સુગર ઝડપથી નહીં વધે…!!

ડાયાબિટીસનાં દરેક દર્દીઓમાં ભાતની અસર એકસરખી થતી નથી, તમે ભાત કોની સાથે ખાવ છો અને કેટલો ખાવ છો એ વધારે મહત્વનું છે.

જ્યારે પણ કોઈને ડાયાબિટીસ થાય ને, એટલે સૌથી પહેલી સલાહ એવી જ મળે કે- “હવે ભાત ખાવાનું બંધ કરી દો”-પણ શું ખરેખર ભાત જ ડાયાબિટીસનો દુશ્મન છે? પ્રોબ્લેમ ભાતમાં નહીં, પણ તમે કેટલો ભાત ખાઓ છો, કયો ભાત ખાઓ છો અને કઈ રીતે ખાઓ છો એમાં છે. આજે આપણે એ વિશે વાત કરીશું. ડાયાબિટીસમાં તમે ‘શું ખાઈ રહ્યા છો’ એટલું જ નહીં, પણ ‘કેટલું ખાઓ છો, કોની સાથે ખાઓ છો અને કઈ રીતે ખાઓ છો’ એ પણ એટલું જ મહત્વનું છે.

ભાત ખાવાથી સુગર કેમ ઝડપથી વધી શકે છે?

જ્યારે આપણે સફેદ ચોખા ખાઈએ છીએ, ત્યારે તેમાં રહેલું કાર્બોહાઇડ્રેટ શરીરમાં જઈને ઝડપથી ગ્લુકોઝમાં બદલાઈ જાય છે. આના લીધે લોહીમાં સુગર લેવલ અચાનક વધી શકે છે. સફેદ ભાતનો GI એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ સામાન્ય રીતે વધારે હોય છે. વધારે GI વાળો ખોરાક સુગર ઝડપથી વધારે છે. પણ આની અસર ચોખાના પ્રકાર, તેને રાંધવાની રીત અને તમે સાથે શું ખાઓ છો તેના પર પણ આધાર રાખે છે. આ જ કારણે, અમુક લોકોને ભાત ખાધા પછી સુગર વધી જાય છે, જ્યારે અમુક લોકોને ખાસ કંઇ અસર નથી થતી.

ડાયાબિટીસના દર્દીઓએ ભાત ખાવાનું સાવ બંધ કરી દેવું જોઈએ?

ના, દરેક વ્યક્તિએ ભાત છોડવાની કોઈ જરૂર નથી.ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ભોજનમાં બેલેન્સ હોવું વધારે જરૂરી છે. ભાત સાવ બંધ કરી દેવાથી ઘણા લોકોને પછીથી વધારે ભૂખ લાગે છે, ઓવરઈટિંગ થઈ જાય છે અથવા તેઓ અસંતુલિત ખોરાક ખાવા લાગે છે.

કયા ચોખા વધારે સારો ઓપ્શન ગણાય?

અમુક ચોખામાં ફાઇબર વધારે હોય છે, જેના લીધે સુગર ધીમે-ધીમે વધે છેઃ બ્રાઉન રાઇસ, ખાંડણીમાં ખાંડેલા ચોખા, જૂના કે ઓછા પ્રોસેસ થયેલા પરંપરાગત ચોખા

ખાલી ભાત નહીં, આખી થાળી અસર કરે છે…

જો તમે માત્ર મોટી વાટકી ભરીને ભાત જ ખાશો તો સુગર વધવાના ચાન્સ પૂરેપૂરા છે પણ જો તમારી થાળીમાં દાળ, લીલા શાકભાજી, સલાડ, પ્રોટો-હશે તો તો ગ્લુકોઝ વધવાની સ્પીડ ધીમી પડી જાય છે.

ડાયાબિટીસમાં ભાત ખાતી વખતે શું ધ્યાન રાખવું?

  • ભાતનું પ્રમાણ ઓછું રાખો.
  • ભાતની સાથે પ્રોટીન અને ફાઇબરવાળી વસ્તુઓ જરૂર લો.
  • જમ્યા પછી થોડીવાર હળવી વૉક લો.
  • નિયમિત સુગર ચેક કરતા રહો.
  • દરેકના શરીરની અસર અલ્ગ હોય છે – એટલે ગ્લુકોમીટરથી ચેક કરીને સમજો કે તમારા શરીર પર શું અસર થાય છે.

તમારા ડોક્ટર કે ડાયેટિશિયનની સલાહ મુજબ જ તમારો ડાયટ પ્લાન બનાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *