વલસાડઃ ધરમપુર
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ તારીખ.15/6/2026 ને સોમવારના રોજ પ્રાથમિક શાળા મોટીઢોલડુંગરીમાં બાળકોમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન કરતી બાળ સાંસદ ચૂંટણી યોજાઈ.
શાળાના વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ કેળવાય અને મતદાન પ્રક્રિયાની વ્યવહારુ સમજ પ્રાપ્ત થાય તે હેતુથી બાળ સાંસદની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં મહામંત્રી પદના ઉમેદવારો વચ્ચે લોકશાહી ઢબે ચૂંટણી યોજાઈ હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું.

મતદાર યાદી તૈયાર કરવાથી લઈને મતદાન, EVM ની સંભાળ, મતગણતરી અને પરિણામ જાહેર કરવા સુધીની તમામ કામગીરી માટે વિદ્યાર્થીઓની અલગ-અલગ ટીમો રચવામાં આવી હતી. ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. ચૂંટણી દરમિયાન મતદારોમાં અને ચૂંટણી સ્ટાફ તરીકે ફરજ બજાવતા વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
જેમાં મહામંત્રી તરીકે નૈતિકભાઈ શૈલેષભાઈ પટેલ તથા ઉપ મહામંત્રી તરીકે શ્રેયભાઈ નીતિનભાઇ પટેલ જંગી મતોથી વિજયી થયા હતા. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો, મતદાનનું મહત્વ, નાગરિકોની જવાબદારી તથા પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની જીવંત સમજ પ્રાપ્ત થઈ હતી.
શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકમિત્રોએ વિદ્યાર્થીઓને લોકશાહી મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.