ગુજરાતમાં ચોમાસું ક્યારથી સારું થશે: ક્યારે વરસાદનું જોર વધશે.

ગુજરાત:

ચોમાસા પર અલનીનોની અસર રહેશે, 14 થી 23 જૂન વરસાદની આગાહી રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આ વર્ષે અલનીનોની અસર ચોમાસા ઉપર રહેશે, જેના કારણે વરસાદ ઓછો વરસશે.

હવામાન અંગેના જાણકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલમાં મુંબઈમાં સારા વરસાદના એંધાણ મજબૂત દેખાઈ રહ્યા નથી. જોકે શહેરમાં વરસાદી ઝાપટાં પડી શકે છે, પરંતુ નોંધપાત્ર અને વ્યાપક વરસાદની શક્યતા 18 જૂન બાદ વધુ જણાઈ રહી છે. તેમણે જણાવ્યું કે 16 જૂન પહેલાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. જોકે આ સમયગાળામાં ભારે અથવા વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 18 થી 20 જૂન દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ચોમાસું વધુ સક્રિય બનવાના સંકેતો છે.

દક્ષિણ ગુજરાતના આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ઉત્તર હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં 3.1 કિમીથી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેની સાથે એક ટ્રફ જોડાયેલો છે. આ જ સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ થઈને ગેંગેટિક પશ્ચિમ બંગાળ સુધી સમુદ્ર સપાટીથી એક સીઝનલ ટ્રફ લંબાયેલો છે.

આ હવામાન એક્ટિવિટીની અસરને લીધે આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હવામાન બદલાશે. ખાસ કરીને 16 થી 18 જૂન દરમિયાન ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પ્રથમ દિવસે (16 જૂન) ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં તેમજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ અને નવસારી જેવા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગળના દિવસોમાં પણ વરસાદની અપેક્ષા છે. આગામી સાત દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની ધારણા છે. પવનની સ્થિતિ જોતાં, હાલમાં રાજ્યના નીચલા સ્તરોમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટ હોવાને લીધે પવનની ગતિ થોડી વધુ રહેશે, જેમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાશે અને તે વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે.

15 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પહોંચશે ચોમાસું હાલમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગો સુધી પહોંચી ગયું છે અને તે કર્ણાટક, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તથા ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં તે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વધુ વિસ્તારોને આવરી લેશે. ગુજરાતમાં ચોમાસાની સામાન્ય શરૂઆતની 15 જૂન છે, તેથી મહારાષ્ટ્રમાં ચોમાસાની પ્રગતિ થયા બાદ આગામી દિવસોમાં તે ગુજરાતમાં પણ સમયસર પહોંચે તેવી શક્યતા છે.

આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી

16 જૂન: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. બાકીના તમામ વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે.

14 અને 15 જૂન: માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં જ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે.

16થી 19 જૂન: વરસાદનો વ્યાપ સહેજ વધશેઃ આગામી સપ્તાહના મધ્યથી વરસાદી માહોલ વધુ વિસ્તારોને આવરી લેશે. ઉત્તર ગુજરાતના દાહોદ અને મહીસાગર; દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ-દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લા અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે.

ચોમાસાની હાલની સ્થિતિ

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના અન્ય ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસું સમગ્ર ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક વધુ ભાગો તેમજ ઓડિશા અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ વિસ્તારોમાં આગળ વધે તે માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલમાં ગુજરાતના વાતાવરણમાં નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *